Crude Oil અમેરિકા-ઈરાન યુદ્ધના ભયથી ક્રૂડમાં આગ, ઓક્ટોબરમાં ભાવમાં 14% સુધીનો ભડકો
ઈરાન પર અમેરિકાના નવા હુમલાની આશંકાથી વધી શકે છે મોંઘવારી, બ્રેન્ટ $117.64 અને WTI $104.12 પર, ઈરાન તણાવ વધતાં સપ્લાય ખોરવાઈ જવાની ચિંતા, હોર્મુઝની ખાડીમાં હુમલાના જોખમ વચ્ચે ગોલ્ડમેન સાક્સનો અંદાજ, ઓઈલ $120 સુધી પહોંચી શકે

ક્રૂડ ઓઈલના ભાવમાં શુક્રવારે 2 ટકાથી વધુનો ઊછાળો નોંધાયો અને ઓઈલના ભાવ છ મહિનાની ટોચે પહોંચી ગયા. અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણી પછી ઈરાન પર સંભવિત સૈન્ય કાર્યવાહીની આશંકા અને ઓઈલ પૂરવઠો ખોરવાઈ જવાના જોખમે વૈશ્વિક બજારની ચિંતા વધારી દીધી છે. ઓક્ટોબર મહિનામાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 13.6 ટકા અને અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડમાં 15.2 ટકાનો વધારો થયો છે, જેના પગલે આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઈંધણના ભાવ પર દબાણ વધવાની આશંકા છે.
આ સપ્તાહે ક્રૂડ ઓઈલના ભાવમાં આવી તેજી
આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે બ્રેન્ટ ક્રૂડના ડિસેમ્બર ડિલિવરીવાળા વાયદાના ભાવમાં 2.76 ડોલર એટલે કે 2.4 ટકાનો વધારો થયો. તે પ્રતિ બેરલ 117.64 ડોલરના સ્તરે બંધ થયો. કારોબાર દરમિયાન તેના ભાવ પ્રતિ બેરલ 118 ડોલર સુધી પહોંચ્યા હતા. બીજીબાજુ વધુ સક્રિય જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં 2.63 ડોલરની તેજી જોવા મળી અને તે 113.43 ડોલર પ્રતિ બેરલે બંધ થયો. અમેરિકન WTI ક્રૂડના ભાવ પણ 2.12 ડોલર એટલે કે 2.08 ટકા વધીને 104.12 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયો. ઓક્ટોબર મહિના દરમિયાન બ્રેન્ટ ક્રૂડમાં 13.6 ટકા જ્યારે WTIમાં 15.2 ટકાની વૃદ્ધિ જોવા મળી.
ઈરાન પર અણેરિકાના હુમલાની આશંકાથી બજારની ચિંતા વધી
ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી પાછળ સૌથી મોટું કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ છે. અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાના એક વરિષ્ઠ સૈન્ય કમાન્ડરે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સંભવિત સૈન્ય વિકલ્પોની માહિતી આપી હતી. ટ્રમ્પ પહેલા પણ સંકેત આપી ચૂક્યા છે કે 3 નવેમ્બરે યોજાનારી મધ્યવર્તી ચૂંટણી પછી અમેરિકા તહેરાન પર ફરીથી હવાઈ હુમલા શરૂ કરી શકે છે. આ સમાચારે બજારમાં આશંકા વધી ગઈ છે કે મધ્ય-પૂર્વમાં યુદ્ધનો દાયરો વધુ ફેલાઈ શકે છે. આવું થાય તો વૈશ્વિક ઓઈલ પૂરવઠા પર ગંભીર અસર પડી શકે છે.

હોર્મુઝની ખાડીમાં ટેન્કર પર હુમલાએ સપ્લાયની ચિંતા વધારી
મધ્ય-પૂર્વમાં ઓઈલ પૂરવઠાની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ જળમાર્ગ હોર્મુઝની ખાડી ફરી એક વખત ચર્ચામાં છે. આ જળમાર્ગથી બહાર નીકળી રહેલા એક ઓઈલ ટેન્કર પર અજ્ઞાત પ્રોજેક્ટાઈલથી હુમલો થયો. બ્રિટનની યુકે મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સે આ ઘટનાની માહિતી આપી હતી. આ ઘટનાએ સમુદ્રી જહાજોની સુરક્ષા અંગે ચિંતા વધારી દીધી છે. જોકે, ઓઈલ ઉત્પાદકોએ આ જળમાર્ગથી માલનું પરિવહન ફરી શરૂ કરી દીધું છે, પરંતુ હુમલાનું જોખમ હજી પણ છે. હોર્મુઝની ખાડી વૈશ્વિક ઓઈલ વેપાર માટે એક મહત્વપૂર્ણ જળમાર્ગ છે. અહીં કોઈપણ પ્રકારના અવરોધથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો સપ્લાય ખોરવાઈ શકે છે.
સાઉદી અરબમાં પણ સુરક્ષાનું જોખમ
અમેરિકાએ સુરક્ષા ચિંતાના પગલે સાઉદી અરબમાં તૈનાત નોન-ઈમરજન્સી સરકારી કર્મચારીઓ અને તેના પરિવારોને 23 ઓક્ટોબરથી દેશ છોડવાનો નિર્દેશ આપ્યો હતો. અમેરિકન દૂતાવાસે શુક્રવારે તેની જાહેરાત કરી હતી. તેના માટે હુથી બળવાખોરો તરફથી નાગરિક એરપોર્ટ અને મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કરાયેલા હુમલાને ટાંકવામાં આવ્યા છે. ઈરાન સમર્થિત યમનના હુથી બળવાખોરોએ દાવો કર્યો કે તેમણે સાઉદી અરબમાં અનેક સ્થળોને નિશાન બનાવ્યા છે, જેમાં રાસ તનુરા રિફાઈનરી, રબીગ રિફાઈનરી અને સાઉદી અરામકોની અબકેક ઉત્પાદન સુવિધાનો સમાવેશ થાય છે. બીજીબાજુ, સાઉદી નેતૃત્વવાળા ગઠબંધને જણાવ્યું કે તેણે દેશના પશ્ચિમી ક્ષેત્ર તરફથી છોડવામાં આવેલી એક ક્રૂઝ મિસાઈલને અધવચ્ચે જ તોડી પાડી હતી.
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી શાંતિ વાટાઘાટોની સંભાવના
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વકરી રહ્યું છે. ટ્રમ્પ ફરીથી ઈરાન પર હુમલાની યોજના બનાવી રહ્યા છે જ્યારે ઈરાન હોર્મુઝની ખાડીમાં ઓઈલ જહાજોને નિશાન બનાવી રહ્યું છે. આવા વાતાવરણમાં પણ બંને દેશો વચ્ચે વાતચીતના પ્રયત્નો ચાલુ છે. રિપોર્ટ મુજબ કતરની મધ્યસ્થ શુક્રવારે તહેરાન પાછા ફર્યા હતા. તેમનો આશય અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીની સંભાવનાઓ આગળ વધારવાનો છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે, ઉપપ્રમુખ જેડી વાન્સે ઈરાનનો સંપર્ક કર્યો હતો, જેથી ત્યાં દવાઓનો પૂરવઠો પહોંચાડવામાં મદદ કરી શકાય. જોકે, અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ વાન્સે ઈરાનના ટોચના સુરક્ષા અધિકારીઓને પત્ર લખીને શાંતિ વાટાઘાટો ફરીથી શરૂ કરવાનો પ્રયત્ન પણ કર્યો છે.
ક્રૂડ ઓઈલનો ભાવ 120 ડોલર સુધી જવાની આશંકા
નિષ્ણાતોનું માનવું છે કે આગામી એક-બે સપ્તાહ સુધી ઓઈલ બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. ઈઝરાયેલમાં તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણી અને 3 નવેમ્બરે અમેરિકામાં થનારી મધ્યવર્તી ચૂંટણીના કારણે બજારમાં અનિશ્ચિતતા જળવાઈ રહી શકે છે. યુદ્ધ પૂરું થયા પછી પણ ક્રૂડ ઓઈલના ભાવ 70થી 90 ડોલર પ્રતિ બેરલના ઊંચા દાયરામાં રહી શકે છે જ્યારે ફેબ્રુઆરી 2026માં યુદ્ધ પહેલાં ભાવ 60થી 70 ડોલરની આજુબાજુ હતા. યુદ્ધ કઈ દિશામાં જશે, તેનું હાલ સ્પષ્ટ અનુમાન લગાવવું મુશ્કેલ છે. બેન્ક મુજબ યુદ્ધ શરૂ થયું ત્યારે અમેરિકન તંત્ર કેટલીક આર્થિક હદો પાર કરવાથી બચવાની આશા રાખતું હતું, પરંતુ સાત મહિના પછી તેમાંથી અનેક હદો પાર થઈગઈ છે. આમ છતાં યુદ્ધ સમાપ્ત કરવાની કોઈ સ્પષ્ટ રણનીતિ સામે નથી આવી રહી. ગોલ્ડમેન સાક્સનું માનવું છે કે ક્રૂડ ઓઈલ 120 સુધી જઈ શકે છે. મધ્ય-પૂર્વમાં ઓઈલ ટેન્કરો પર હુમલા વધુ તિવ્ર બનશે તો ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 120 ડોલર થઈ શકે છે. બીજીબાજુ યુદ્ધ વચ્ચે પણ ઓઈલની નિકાસ સામાન્ય થઈ જાય અને ક્રૂડ ઓઈલનો પૂરવઠો સામાન્ય થઈ જાય તો ભાવ ઘટીને પ્રતિ બેરલ 80 ડોલર થઈ શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો

Crude Oil Price Today: શાંતિની આશાએ સસ્તું થયું ક્રૂડ, WTI $100ની નીચે

Expert Speaks : સોનું 3% તૂટીને 3,900 ડોલર નીચે સરક્યું છતાં ટેકો મજબૂત, હવે નજર ₹1.38 લાખના લેવલ પર

Gold Silver Price Today: સોનું-ચાંદી સસ્તા ક્રૂડના સહારે ફરી તેજીમાં





