Agri Commodity: પુરવઠાની ખેંચથી ગુવારમાં તેજી, એક મહિનામાં 20% સુધી વળતર
રાજસ્થાનમાં પુરવઠાની ખેંચને કારણે ગુવાર કોમ્પ્લેક્સમાં છેલ્લા એક મહિનામાં તેજી જોવા મળી છે. NCDEX વાયદામાં ગુવાર ગમ અને ગુવાર સીડમાં રોકાણકારોને લગભગ 20% સુધીનું વળતર મળ્યું છે. ખેડૂતો માટે હાલના ભાવ આકર્ષક છે, પરંતુ મિલરોને ઊંચા કાચા માલના ભાવને કારણે ડિસ્પેરિટીનો સામનો કરવો પડી રહ્યો છે.

મુંબઈ: અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધથી પરેશાન ઉદ્યોગો પર હવે નબળી ખરીફ સિઝનનો પણ બોજ આવ્યો છે. તેથી કૃષિ પેદાશોના કારોબાર અનિશ્ચિતતાના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ગુવાર કોમ્પ્લેક્સમાં છેલ્લા એક મહિનામાં અચાનક તેજીની ચિનગારી જોવા મળી છે. NCDEXના વાયદામાં રોકાણકારોને છેલ્લા એક મહિનામાં ગુવાર ગમ અને ગુવાર સીડમાં લગભગ 20% સુધીનું ઊંચું વળતર મળ્યું છે. સ્વાભાવિક રીતે રોકાણકારો ખુશ છે, પરંતુ બીજી તરફ પુરવઠાની ખેંચને કારણે મિલરોની પેરિટી થતી નથી. વેપારીઓને વ્યાજ બદલાના વેપારમાં ગુવાર ગમમાં 1.75% અને ગુવાર સીડમાં 1.25%નું વળતર છૂટે છે.
મિલરોને 10 ટન મિલિંગ દીઠ ₹60થી ₹70 હજારની ડિસ્પેરિટી
ઉત્તર ગુજરાતના ડીસા સ્થિત ગુવાર ગમ મિલર પિયુષ ઠક્કરે જણાવ્યું કે હાલમાં સપ્લાય ડિસ્ટર્બ છે. મિલરોને પ્રતિ 10 ટન ગુવારના મિલિંગ સામે ₹60 હજારથી ₹70 હજારની ડિસ્પેરિટી પડી રહી છે. તેથી મિલરો ઊંચા ભાવે માલ લેતા નથી. છેલ્લા એક સપ્તાહમાં ગુવાર ગમ અને ગુવાર સીડના ભાવ થોડા ઘટ્યા છે, તેનું આ પણ એક કારણ છે. ઉત્તર ગુજરાતમાં ગુવાર સીડની નવી સિઝન દિવાળી બાદ શરૂ થશે. ગુજરાતનો માલ કેવો આવે છે તેના પર પણ સૌની નજર છે. નવી આવકો શરૂ થશે ત્યારે ભાવ થોડા ઘટી શકે છે. ત્યારે થોડા સમય માટે ગુવાર સીડના ભાવ ₹7,000 પ્રતિ ક્વિન્ટલની સપાટીએ આવી શકે છે. પરંતુ લાંબા ગાળે પુરવઠાની ખેંચ રહેવાની હોવાથી હવે મોટી મંદીની શક્યતા ઓછી છે.
એક મહિનામાં ગુવાર સીડ અને ગમમાં તીવ્ર ઉછાળો
આંકડા જોઈએ તો NCDEXના વાયદામાં 30 સપ્ટેમ્બરે ગુવાર સીડના ભાવ ₹6,661 પ્રતિ ક્વિન્ટલ હતા અને ગુવાર ગમના ભાવ ₹12,800 પ્રતિ ક્વિન્ટલ ચાલતા હતા. 16 ઑક્ટોબરે એકધારી તેજી સાથે ગુવાર સીડના ભાવ વધીને ₹8,400 અને ગુવાર ગમના ભાવ ₹16,440 પ્રતિ ક્વિન્ટલની સપાટીએ પહોંચ્યા હતા. 29 ઑક્ટોબરે નફારૂપી વેચવાલી વચ્ચે ગુવાર સીડના ભાવ ₹8,125 અને ગુવાર ગમના ભાવ ₹15,733 પ્રતિ ક્વિન્ટલ રહ્યા હતા. હાલના ભાવ ખેડૂતો માટે પ્રોત્સાહક ગણાય છે.
રાજસ્થાનમાં નવી આવકો હજુ નબળી
રાજસ્થાનના જોધપુર સ્થિત એક મિલરે જણાવ્યું કે ગંગાનગર અને હનુમાનગઢ બેલ્ટમાં સામાન્ય રીતે ઑક્ટોબર મહિનામાં નવા ગુવારની આવકો શરૂ થતી હોય છે, પરંતુ આ વખતે મંડીઓમાં હજુ ખાસ આવક થઈ રહી નથી. અલ નીનોની અસરને કારણે વાવેતર અને ઉપજ ઘટવાનો અંદાજ અગાઉથી જ મૂકાયો હતો. ઓગસ્ટ 2026ના અંતે આવેલા વાવેતરના આંકડા મુજબ ગુજરાતમાં ગુવારના વાવેતર વિસ્તારમાં 41%નો ઘટાડો સૂચવાયો હતો, જ્યારે રાજસ્થાનમાં 19%નો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઑક્ટોબર 2026ના પ્રથમ સપ્તાહમાં ઉપલબ્ધ સ્ટોક છેલ્લા પાંચ વર્ષના તળિયે ગયો છે.
આ પણ વાંચો: Intelના શૅરમાં 28%નો કડાકો, Nvidia-AMD પણ તૂટ્યા; શું અમેરિકામાં AIનો ફુગ્ગો ફૂટ્યો?
આ સિઝનમાં માત્ર 60 લાખ બોરી ઉત્પાદનનો અંદાજ
ગુજરાતમાં આ વખતે લગભગ 5 લાખ બોરી, રાજસ્થાનમાં 50 લાખ બોરી અને અન્ય વિસ્તારોમાં મળીને બીજી 5 લાખ બોરીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આ રીતે આ સિઝનમાં કુલ માત્ર 60 લાખ બોરી, એટલે કે આશરે 6 લાખ ટન ગુવાર સીડનું ઉત્પાદન થવાનો અંદાજ છે. બીજી તરફ કેરી ફોરવર્ડ સ્ટોક આશરે 50 લાખ બોરીનો હોવાનો અંદાજ છે, જ્યારે દેશની કુલ વાર્ષિક ખપત 1.30 કરોડ બોરી રહેવાની ધારણા છે. માગ અને પુરવઠા વચ્ચેનો આ તફાવત તેજીના સંકેત આપે છે.
ક્રૂડનો વધતો ભાવ ગુવાર ગમના ભાવને ટેકો આપી શકે
હાલમાં ગુવાર ગમ તથા કોરમાની નિકાસ માગ સ્થિર છે. ક્રૂડ ઓઇલના frackingમાં માત્ર 10થી 15% જેટલો ગુવાર ગમ વપરાય છે. જો ક્રૂડ ઓઇલના ભાવ $115 પ્રતિ બેરલથી ઉપર રહે, તો ગુવાર ગમની નિકાસ માગ અને ભાવમાં હજુ વધારો થઈ શકે છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો

Crude Oil Price Today: શાંતિની આશાએ સસ્તું થયું ક્રૂડ, WTI $100ની નીચે

Expert Speaks : સોનું 3% તૂટીને 3,900 ડોલર નીચે સરક્યું છતાં ટેકો મજબૂત, હવે નજર ₹1.38 લાખના લેવલ પર

Gold Silver Price Today: સોનું-ચાંદી સસ્તા ક્રૂડના સહારે ફરી તેજીમાં





