શેરબજાર થશે વધુ સ્માર્ટ અને સુરક્ષિત! બોન્ડથી AI સુધી 5 મોટા સુધારાની SEBIએ બતાવી ભવિષ્યની દિશા
ANMI આંતરરાષ્ટ્રીય કેપિટલ માર્કેટ કન્વેન્શન 2026માં ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું કે, ₹61 લાખ કરોડના કોર્પોરેટ બોન્ડ માર્કેટ, બ્રોકર્સ માટે સરળ નિયમો, AI સૅન્ડબૉક્સથી લઈને સાયબર સિક્યોરિટી અને ફિનફ્લુએન્સર્સ સુધી 5 ક્ષેત્રોમાં સુધારા પર SEBIનું ફોકસ છે. ડિમેટ 2.0ના આગામી તબક્કામાં ટોકનાઇઝ્ડ કોર્પોરેટ બોન્ડના સેકન્ડરી ટ્રેડિંગની વ્યવસ્થા લાવવાની દિશામાં પણ કામ થઈ રહ્યું છે.

મુંબઈમાં શનિવારે યોજાયેલા ANMI આંતરરાષ્ટ્રીય કેપિટલ માર્કેટ કન્વેન્શન 2026માં બજાર સાથે સંકળાયેલા હિતધારકોને સંબોધતાં SEBI ચેરમેન તુહિન કાંતા પાંડેએ આગામી સમય માટે પાંચ મહત્ત્વના ક્ષેત્રોમાં સુધારાની દિશા સ્પષ્ટ કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી હવે મૂડી બજારમાં પણ પ્રવેશી રહી છે ત્યારે ટેક્નોલોજીના જવાબદારીપૂર્વક ઉપયોગ સાથે ભારતીય મૂડીબજારને વધુ ગહન, પારદર્શક અને રોકાણકારો માટે સુરક્ષિત બનાવવા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) દ્વારા નિયમનકારી સુધારા, કોર્પોરેટ બોન્ડ માર્કેટના વિકાસ અને રોકાણકારોની સુરક્ષા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેના સંદર્ભમાં સેબીના ચેરમેને તકો અને પડકારો પર પ્રકાશ પાડ્યો હતો.
ભારતીય મૂડીબજાર પર એક નજર
SEBI અધ્યક્ષ પાંડેએ જણાવ્યું કે, ભારતીય ઇક્વિટી માર્કેટનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે ₹470 લાખ કરોડ છે. બાકી રહેલા કોર્પોરેટ બોન્ડ્સનું કદ આશરે ₹61 લાખ કરોડ છે. મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) આશરે ₹83 લાખ કરોડ છે. આ સાથે 15 કરોડથી વધુ રોકાણકારો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) પાસે આશરે ₹74 લાખ કરોડની સંપત્તિ છે. ભારતીય મૂડીબજારના કેન્દ્રમાં આપણી સ્થિર અને ઊંચી આર્થિક વૃદ્ધિ છે, જે અભૂતપૂર્વ વૈશ્વિક પડકારો છતાં જળવાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)ના અંદાજ મુજબ, આ વર્ષે ભારતનો આર્થિક વિકાસ દર આશરે 7% રહેશે, જે વૈશ્વિક વિકાસ દર કરતાં બમણાથી પણ વધુ છે. ભારત તિવ્ર ગતિએ વિકાસ કરી રહ્યું છે ત્યારે ભારતીય મૂડીબજારને વધુ વ્યાપક બનાવવાની જરૂર છે.
બ્રોકર્સ માટે સરળ નિયમો અને ઓછો કમ્પ્લાયન્સ બોજ
SEBI અધ્યક્ષે કહ્યું, સ્ટોકબ્રોકર્સ માટે તેમની કામગીરીના કદ, ગ્રાહકોની સંખ્યા અને ટેક્નોલોજી પરની નિર્ભરતાને ધ્યાનમાં રાખીને તબક્કાવાર કમ્પ્લાયન્સ વ્યવસ્થા વિકસાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. તેનો હેતુ નિયમનકારી બોજ ઘટાડવાની સાથે મૂડીનો વધુ કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. આ ઉપરાંત, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ માટેના નિયમોને સરળ બનાવવા અને છેતરપિંડી સામેની સુરક્ષા મજબૂત કરવા પર પણ કામ ચાલી રહ્યું છે. એક જ ડિજિટલ વર્કફ્લો દ્વારા SEBIની નિરીક્ષણ પ્રક્રિયાને વધુ ઝડપી અને સુસંગત બનાવવાની પણ યોજના છે.
કોર્પોરેટ બોન્ડ માર્કેટને મળશે વેગ
તુહિન કાંતા પાંડેએ ઉમેર્યું કે, ભારતીય કોર્પોરેટ બોન્ડ માર્કેટનું કદ આશરે ₹61 લાખ કરોડ હોવા છતાં તેમાં સેકન્ડરી માર્કેટમાં ટ્રેડિંગ અને લિક્વિડિટી વધારવાની નોંધપાત્ર સંભાવના છે. આ માટે માર્કેટ મેકિંગ ફ્રેમવર્ક વિકસાવવામાં આવી રહ્યું છે. SEBI શોર્ટ સેલિંગ તથા સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગની વ્યવસ્થાની પણ સમીક્ષા કરી રહ્યું છે, જેથી બજારમાં લિક્વિડિટી અને ભાવની યોગ્ય શોધને પ્રોત્સાહન મળી શકે. ડિમેટ 2.0ના આગામી તબક્કામાં ટોકનાઇઝ્ડ કોર્પોરેટ બોન્ડના સેકન્ડરી ટ્રેડિંગની વ્યવસ્થા લાવવાની દિશામાં પણ કામ થઈ રહ્યું છે. આથી સેટલમેન્ટનું જોખમ ઘટાડવા અને ભંડોળ સુધી પહોંચ ઝડપી બનાવવામાં મદદ મળી શકે છે.

AI, સાયબર સુરક્ષા અને ટેક્નોલોજી પર વિશેષ ધ્યાન
ટ્રેડિંગમાં અલ્ગોરિધમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધતો ઉપયોગ નવી તકોની સાથે નવા જોખમો પણ ઊભા કરી રહ્યો છે. સાયબર હુમલા, ટ્રેડિંગ સિસ્ટમમાં ખામી અને ડેટા સુરક્ષા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને SEBIએ બ્રોકર્સને સાયબર સુરક્ષાને માત્ર IT ખર્ચ નહીં, પરંતુ વ્યવસાયની પ્રાથમિકતા તરીકે જોવાની સલાહ આપી છે.
નવી ટેક્નોલોજીનું સુરક્ષિત પરીક્ષણ કરવા માટે AI સૅન્ડબૉક્સ વિકસાવવાની વિચારણા છે. AIના જવાબદાર ઉપયોગ માટેની માર્ગદર્શિકામાં સ્પષ્ટ જવાબદારી, ડેટા નિયંત્રણ, ઇમરજન્સી કિલ સ્વિચ અને માનવીય દેખરેખ જેવા સુરક્ષા ઉપાયોનો સમાવેશ કરવાની તૈયારી છે.
રોકાણકારોની સુરક્ષા અને નાણાકીય જાગૃતિને પ્રાથમિકતા
SEBIના સર્વે અનુસાર, લગભગ ત્રણમાંથી બે પરિવારોને સિક્યોરિટીઝ માર્કેટનાં ઉત્પાદનો વિશે જાણકારી છે, પરંતુ દસમાંથી એક કરતાં પણ ઓછા પરિવારો વાસ્તવમાં રોકાણ કરે છે. રોકાણ કરવાની યોજના ધરાવતા લોકોમાં લગભગ અડધા ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. આથી નાના શહેરો અને ગામડાં આગામી રોકાણ વૃદ્ધિના મહત્ત્વના કેન્દ્ર બની શકે છે.
બિનનોંધાયેલ નાણાકીય સલાહકારો અને ફિનફ્લુએન્સર્સ દ્વારા રોકાણકારોના નિર્ણયો પ્રભાવિત થવા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રોકાણકારોને અસલી અને નકલી ટ્રેડિંગ એપ્સ વચ્ચે તફાવત સમજવામાં મદદ કરવા માટે વેલિડેટેડ UPI હેન્ડલ, SEBI Check અને વેરિફાઇડ લેબલ જેવી સુવિધાઓનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે.
'સમજ સે ઇન્વેસ્ટિંગ સિમ્પલ' અભિયાન અને પ્રોજેક્ટ જાગરૂક દ્વારા ટીવી, રેડિયો, પ્રિન્ટ, WhatsApp અને સોશિયલ મીડિયા મારફતે રોકાણકાર જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. બ્રોકર્સને પણ ગ્રાહકો સાથેની દરેક વાતચીતમાં જોખમોની સમજ આપવા અને ચકાસેલી માહિતી જ પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.
વિદેશી રોકાણકારો માટે સરળ પ્રવેશ અને બજારની પહોંચમાં વધારો
ભારતીય બજારમાં વિદેશી રોકાણકારો અને વિદેશમાં વસતા ભારતીયો (NRIs) માટે રોકાણ પ્રક્રિયા વધુ સરળ બનાવવાની દિશામાં પણ પગલાં લેવામાં આવશે. ડિજિટલ ઓનબોર્ડિંગ, સરળ KYC અને ઓછા કાગળિયાં કામ દ્વારા રોકાણની પ્રક્રિયાને સરળ બનાવવાની યોજના છે, જ્યારે જરૂરી સુરક્ષા જાળવી રાખવામાં આવશે. આ સાથે, કસ્ટોડિયલ ક્લાયન્ટ્સ માટે ઓટોમેટેડ ગિવ-અપ અને ટેક-અપ સુવિધાનો વિસ્તાર કરવાની યોજના છે. આથી કસ્ટોડિયનની પુષ્ટિની રાહ જોતી વખતે રોકાણકારોની પોતાની મૂડી બ્લોક રહેવાની સમસ્યા ઘટી શકે છે.
SEBIનો સ્પષ્ટ મુખ્ય સંદેશ
ભારતીય મૂડીબજારનું ઇક્વિટી માર્કેટ કેપિટલાઇઝેશન આશરે ₹470 લાખ કરોડ અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) લગભગ ₹83 લાખ કરોડ સુધી પહોંચ્યાં છે. 15 કરોડથી વધુ રોકાણકારો ધરાવતા આ બજારમાં હવે માત્ર વૃદ્ધિ જ નહીં, પરંતુ વિશ્વાસ, પારદર્શિતા અને ટેક્નોલોજીની સુરક્ષા પણ એટલા જ મહત્ત્વના બન્યા છે. SEBIનો મુખ્ય સંદેશ સ્પષ્ટ છે, ભવિષ્યનું બજાર વધુ સરળ, ગહન અને સુરક્ષિત બનાવવાની જવાબદારી નિયમનકાર સાથે બ્રોકર્સ, એક્સચેન્જો, ડિપોઝિટરીઝ અને સમગ્ર બજાર વ્યવસ્થાની પણ છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ

Global Cues । 03 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી

Stocks In News | 03 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Commodity Market Trading : આજથી સોના, ચાંદી, ઓઈલનો ટ્રેડિંગ સમય લંબાયો

Closing Bell_ રિલાયન્સમાં ધૂમ લેવાલીના પગલે સેન્સેક્સ 1,200 પોઇન્ટથી પણ વધુ ઉચકાયો

રિલાયન્સ 5%થી વધુ વધ્યો હોય તેવા 20માંથી 17 પ્રસંગોએ નિફ્ટીમાં વધારો





