Vibrant Gujarat 2027: ચેન્નઈમાં રોડ-શો, 21 કંપનીઓ અને સંસ્થાઓ સાથે બેઠક
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની તૈયારીઓના ભાગરૂપે ચેન્નઈમાં યોજાયેલા રોડ-શોમાં ગુજરાત અને તમિલનાડુ વચ્ચે ઔદ્યોગિક સહયોગની નવી શક્યતાઓ રજૂ કરવામાં આવી. ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે 21 કંપનીઓ અને સંસ્થાઓ સાથે બેઠકો કરીને રોકાણ, ટેક્નોલોજી અને સંભવિત ભાગીદારી અંગે ચર્ચા કરી. તમિલનાડુના ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રને ગુજરાતના સેમિકન્ડક્ટર, ઔદ્યોગિક માળખા અને લોજિસ્ટિક્સ સાથે જોડવા પર વિશેષ ભાર મૂકાયો.

Vibrant Gujarat Global Summit: તમિલનાડુનું મજબૂત ઓટોમોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્ર તથા ગુજરાતનું બંદરો, ઔદ્યોગિક માળખું અને વિકસતું સેમિકન્ડક્ટર ક્ષેત્ર—આ બંને રાજ્યોની ક્ષમતાઓને સાથે લાવીને રોકાણ અને વ્યવસાયની નવી તકો ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ—VGGS 2027 પહેલાં ચેન્નઈમાં યોજાયેલા રોડ-શોમાં આ સંભવિત ભાગીદારી ચર્ચાના કેન્દ્રમાં રહી હતી.
ચેન્નઈની તાજ કોરોમંડલ હોટેલમાં ગુજરાત સરકારના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉદ્યોગજગતના અગ્રણી પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન રોકાણ, ટેક્નોલોજી ભાગીદારી અને ઉત્પાદન ક્ષેત્રમાં સહયોગની નવી શક્યતાઓ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ પહેલાં 21 કંપનીઓ અને સંસ્થાઓ સાથે મુલાકાત
રોડ-શોના મુખ્ય કાર્યક્રમ પહેલાં ગુજરાતનાં મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. મનીષા વકીલ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસન, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન—GSEMનાં મિશન ડિરેક્ટર નેહા કુમારી તથા અન્ય સંબંધિત પ્રતિનિધિઓએ ચેન્નઈની 21 અગ્રણી કંપનીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠકો કરી હતી.
આ બેઠકોમાં રાણે (મદ્રાસ) લિમિટેડ, ફુસો ગ્લાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ફ્લોસિલ-BET કોટિંગ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, અશોક લેલેન્ડ લિમિટેડ, પોન પ્યોર કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સેન્ટ-ગોબેન અને GH ઇન્ડક્શન ઇન્ડિયાના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. આ ઉપરાંત કેવિનકેર, JK ફેનર ઇન્ડિયા લિમિટેડ, EID પેરી લિમિટેડ, KLA, ઓર્બિટએઇડ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ, સાલકોમ્પ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા, IIT મદ્રાસ પ્રવર્તક, અગ્નિકુલ કોસમોસ, ટેકીનાઉ, કોસ્મિક કમ્પ્લાયન્સ ટેસ્ટ લેબ, GRT હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, કોને એલિવેટર ઇન્ડિયા, ડેનફોસ અને રાજહંસ ઇમ્પેક્સ સાથે પણ ચર્ચા થઈ હતી. આ મુલાકાતોમાં ગુજરાત અને તમિલનાડુ વચ્ચે ઔદ્યોગિક સહયોગ, ઉભરતી ટેક્નોલોજી અને સંભવિત ભાગીદારી અંગે વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના સેમિકન્ડક્ટર ક્ષેત્રની પ્રગતિ રજૂ કરાઈ
કાર્યક્રમમાં અગ્ર સચિવ એમ. થેન્નારસને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. ગુજરાતમાં વિકસી રહેલા સેમિકન્ડક્ટર ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા માળખાની પ્રગતિ દર્શાવતી વિશેષ ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. ઉદ્યોગજગતના પ્રતિનિધિઓએ પોતાના અનુભવો વહેંચ્યા હતા. તેમણે ગુજરાતમાં વ્યવસાયની તકો અને ઔદ્યોગિક વિકાસ અંગે વ્યવહારુ દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. ચર્ચાઓમાં તમિલનાડુના સ્થાપિત ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગ ઉદ્યોગોને ગુજરાતના ઉભરતા સેમિકન્ડક્ટર ક્ષેત્ર, અદ્યતન ઉત્પાદન અને લોજિસ્ટિક્સ માળખા સાથે જોડવાની શક્યતાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ડૉ. મનીષા વકીલે પોતાના સંબોધનમાં ગુજરાત અને તમિલનાડુ વચ્ચે ઔદ્યોગિક સંબંધો વધુ મજબૂત કરવાની સંભાવનાઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “તમિલનાડુએ ઓટોમોબાઇલ ઉત્પાદન, ઇલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રે અગ્રણી કેન્દ્ર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી છે. ગુજરાતની પોતાની વિશિષ્ટ ક્ષમતાઓ છે, જેમાં ઔદ્યોગિક માળખું, બંદરો, સેમિકન્ડક્ટર, નવીનીકરણીય ઊર્જા અને વૈશ્વિક જોડાણનો સમાવેશ થાય છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “આપણા ઉદ્યોગો, ઉદ્યોગસાહસિકો અને યુવા પ્રતિભાઓને એકસાથે લાવીને આપણે નવીનતા, રોજગાર અને સહિયારી સમૃદ્ધિની નવી તકો ઊભી કરી શકીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આપણા સામૂહિક પ્રયાસો વિકસિત ભારત @2047ની યાત્રાને વધુ મજબૂત બનાવશે.”

દેશના ઉત્પાદન અને નિકાસમાં ગુજરાતનું યોગદાન
કાર્યક્રમ દરમિયાન રજૂ કરાયેલી માહિતી મુજબ, ભારતના કુલ ઉત્પાદન ક્ષેત્રના આઉટપુટમાં ગુજરાતનો હિસ્સો 17% છે, જ્યારે દેશની માલસામાનની નિકાસમાં રાજ્યનું યોગદાન 25% છે. આ પૃષ્ઠભૂમિમાં બંને રાજ્યોના ઉદ્યોગો વચ્ચે સહયોગથી ઉત્પાદનથી લઈને પરિવહન અને બજાર સુધીની વ્યવસાયિક કડીઓ વધુ મજબૂત કરવાની શક્યતાઓ રજૂ કરવામાં આવી હતી.

10થી 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં સમિટ
વાઇબ્રન્ટ ગુજરાત શ્રેણીની 11મી આવૃત્તિ 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં યોજાશે. સમિટની થીમ “વિકસિત ગુજરાત – વૈશ્વિક ભવિષ્યનું નિર્માણ” (Viksit Gujarat – Shaping Global Future) રાખવામાં આવી છે. સમિટમાં ઉદ્યોગોના પ્રતિનિધિઓ, નીતિનિર્માતાઓ અને અગ્રણી બિઝનેસ લીડર્સ એક મંચ પર આવીને પરસ્પર સહયોગની તકો અંગે ચર્ચા કરશે.
ચેન્નઈ રોડ-શોમાં તમિલનાડુના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને ઔદ્યોગિક સંસ્થાઓને પોતાની નિષ્ણાતતા, વિચારો અને ભાગીદારીની પ્રાથમિકતાઓ સાથે ગાંધીનગરમાં યોજાનારી સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પહેલનો હેતુ બંને રાજ્યો વચ્ચેના સંવાદને વ્યવહારુ વ્યાવસાયિક સહયોગ તરફ આગળ વધારવાનો અને ભારતના ઔદ્યોગિક વિકાસના આગામી તબક્કામાં યોગદાન આપવાનો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ₹10,000 કરોડથી વધુના રોકાણની શક્યતા, VGGS 2027 પહેલાં CM ભૂપેન્દ્ર પટેલની મોટી કંપનીઓ સાથે ચર્ચા
આ પણ જુઓ:
Also Read

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ

રાષ્ટ્રીય એકતા દિવસ: ‘Run for Unity’ને ફ્લેગ ઓફ કરાવીને મુખ્યમંત્રી એકતા દોડમાં સહભાગી બન્યા

બનાસકાંઠાથી ખેડૂતોને મોટી ભેટ, ₹14,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ સાથે PM Kisanનો 24મો હપ્તો જાહેર

PM Modi Gujarat Visit: પાટા પર વિકાસની નવી ગતિ! ગુજરાતમાં બે નવી ટ્રેનોથી આર્થિક પ્રવૃત્તિઓને ટેકો





