બાજરો મોંઘો થયો, ખરિફ પાક ઓછો અને નિકાસ વધતાં ભાવ ₹600 સુધી ચઢ્યા
નબળા ચોમાસા અને ખરિફ પાકમાં ઘટાડાના અહેવાલ વચ્ચે બાજરાના ભાવમાં દોઢ મહિનામાં ક્વિન્ટલદીઠ ₹400થી ₹600નો ઉછાળો જોવા મળ્યો છે. ખુલતી સિઝને જ પોલ્ટ્રી અને પશુઆહારની જોરદાર ખરીદી ઉપરાંત અખાતી દેશોમાં 15,000 ટન નિકાસ થતાં બજારમાં તેજીનો માહોલ બન્યો છે. વેપારીઓના અંદાજ મુજબ આ વખતે ખરિફ બાજરાનો પાક માંડ 40થી 45% આવવાની ધારણા છે.

મુંબઈ: નબળા ચોમાસાની અસરથી પાકમાં ઘટાડાના અહેવાલ વચ્ચે ખુલતી સિઝને જ પોલ્ટ્રી તથા પશુઆહારની જોરદાર ખરીદીના કારણે દોઢ મહિનાના ગાળામાં બાજરાના ભાવમાં ક્વિન્ટલદીઠ ₹400થી ₹600નો ઉછાળો જોવા મળ્યો છે. મથકો પર બેઠેલા વેપારીઓના અંદાજ પ્રમાણે આ વખતે ખરિફ બાજરાનો પાક માંડ 40થી 45% આવવાની ધારણા છે.
ગુજરાત-રાજસ્થાનમાં પાક 30થી 40% રહેવાની ધારણા
વાશી APMC સ્થિત બાજરાના હોલસેલ વેપારી અને GROMAના કારોબારી સભ્ય અરવિંદ લોડાયાના જણાવ્યા મુજબ ખરિફ વાવેતરના બાજરાની આવક નવરાત્રી પહેલાં શરૂ થઈ ગઈ હતી. પરંતુ બાજરાનું સૌથી વધારે ઉત્પાદન અને વપરાશ ધરાવતા ગુજરાત અને રાજસ્થાનમાં આ વખતે પાક માંડ 30થી 40% આવવાની ધારણા છે. ઉત્તર પ્રદેશમાં વાવેતર સારું હતું, પરંતુ પાછળથી પડેલા જોરદાર વરસાદના કારણે ખેતરમાં ઊભો બાજરો ધોવાઈ ગયો હતો. પરિણામે ત્યાં માંડ 25% જેટલું ઉત્પાદન આવશે અને તેમાંથી મોટા ભાગનો પાક પશુઆહારમાં વેચવો પડે તેવી સ્થિતિ છે.
હરિયાણા પણ આ વખતે લેવાલ રહી શકે
હરિયાણામાં આ વખતે માંડ 50% પાક થવાના અહેવાલ છે. સામાન્ય રીતે હરિયાણાથી બાજરો અન્ય રાજ્યોમાં વેચાતો હોય છે, પરંતુ આ વખતે પાક ઓછો હોવાથી હરિયાણા પોતે જ લેવાલ રહે તેવી સંભાવના છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વરસાદની ખેંચના કારણે બાજરાનો પાક માંડ 20થી 30% આવવાની ગણતરી મુકાઈ છે. બાજરો ગરમ પ્રકૃતિ ધરાવતો હોવાથી ડિસેમ્બરમાં ઠંડી વધશે ત્યારે તેની વિશેષ માગ નીકળે તેવી ધારણા છે.

મિડિયમ બાજરો ₹2,700થી વધીને ₹3,200
બાજરાના હોલસેલ વેપારી કેવલ પાસડેના જણાવ્યા મુજબ ખુલતી સિઝને મિડિયમ ક્વોલિટીના બાજરાના ભાવ ક્વિન્ટલદીઠ ₹2,700 હતા, જે હાલમાં વધીને ₹3,200 થયા છે. પ્રિમિયમ ક્વોલિટીના ભાવ ₹3,600થી વધીને ₹4,200 પ્રતિ ક્વિન્ટલ થયા છે. હાલના હવામાનને જોતા ગુજરાતમાં ઉનાળુ બાજરાનો પાક પણ ઘટવાની ધારણા મૂકાઈ રહી છે. તેથી બજારમાં તેજીની માનસિકતા છે.
દાયકામાં પ્રથમવાર રાજસ્થાનથી દક્ષિણ ભારતમાં મોટી ખરીદી
વાશી APMC બજારના અનાજના દલાલ અને એનાલિસ્ટ દેવેન્દ્ર વોરાના જણાવ્યા મુજબ છેલ્લા એક દાયકામાં પ્રથમ વખત રાજસ્થાનથી તામિલનાડુ અને કર્ણાટકમાં 18,000 ટન બાજરાનું વેચાણ થયું છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પાક નિષ્ફળ ગયો હોવાથી આ સ્થિતિ ઊભી થઈ છે.
આ પણ વાંચો: Crude Oil Outlook: ક્રૂડ 70થી 75 ડોલરે ક્યારે પહોંચશે? Mahindra Noeનું શું છે માનવું?
ખુલતી સિઝને જ 15,000 ટનની નિકાસ
સ્થાનિક ખરીદી ઉપરાંત નિકાસની માગ પણ બજારને ટેકો આપી રહી છે. ખુલતી સિઝને જ અખાતી દેશોમાં 15,000 ટન બાજરાની નિકાસ થઈ છે. પોલ્ટ્રી અને પશુઆહાર ક્ષેત્રની ખરીદી પણ મજબૂત હોવાથી હાજર બજારમાં પુરવઠા સામે માગનું દબાણ જોવા મળી રહ્યું છે.
USDA મુજબ ઉત્પાદનના આંકડા
US Department of Agriculture એટલે કે USDAના અહેવાલ મુજબ ભારતમાં વર્ષ 2024-25માં 115 લાખ ટન અને વર્ષ 2025-26માં 126 લાખ ટન બાજરાનું ઉત્પાદન થયું હતું. હાલના પાકના અંદાજ, નિકાસની માગ અને સ્થાનિક વપરાશની સ્થિતિને જોતા આગામી દિવસોમાં બાજરાના બજારમાં મજબૂતી જળવાઈ રહે તેવી માનસિકતા વેપારીઓમાં જોવા મળી રહી છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

સોનું ₹1.44 લાખ અને ચાંદી ₹1.90 લાખ નજીક: નફો બુક કરવો કે રોકાણ જાળવવું?

Crude Oil Outlook: ક્રૂડ 70થી 75 ડોલરે ક્યારે પહોંચશે? Mahindra Noeનું શું છે માનવું?

સોના-ચાંદીના ભાવમાં કડાકો: 10 નવેમ્બરે 24K અને 22K સોનું કેટલું સસ્તું થયું? જુઓ રેટ

Crude Oil Price: ટ્રમ્પનું એક નિવેદન અને ક્રૂડ ઓઈલમાં મોટો કડાકો, બ્રેન્ટ ક્રૂડ $91.88 પહોંચ્યું

એરંડામાં એકધારી તેજીથી રોકાણકારોને 20%થી વધુ વળતર, ઓછું વાવેતર અને નિકાસની માગે ભાવને ટેકો

Sugar Industry: ખાંડના મજબૂત ભાવ છતાં મિલોના નફા પર સંકટ, ઇથેનોલના નિયંત્રણો અને વધતા ખર્ચનો માર

સોનું નહીં, હળદર બની રોકાણકારો માટે સોનાની ખાણ! એક વર્ષમાં 89% વળતર



