America Iran War : મિડટર્મ ચૂંટણી પછી ફરી ભડકશે ઈરાન યુદ્ધ? ક્રૂડ ₹100 ડોલરને પાર જવાની દહેશત
મિડટર્મ ચૂંટણી બાદ અમેરિકા-ઈરાન તણાવ ફરી વધી શકે છે; વિશ્લેષકે સૈન્ય ઘર્ષણની 80% આશંકા વ્યક્ત કરી, હોર્મુઝની ખાડી ખોલવા ઈરાને મૂકી 7 શરતો, વૈશ્વિક એનર્જી માર્કેટની નજર અમેરિકા-ઈરાન પર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન્સ પાર્ટીના પરાજયથી ધૂંધવાયા છે. તેમણે મોંઘવારી અને ઈરાન યુદ્ધના કારણે ચૂંટણીમાં પરાજય થયો હોવાની કબૂલાત કરવાની સાથે સ્પષ્ટ કરી દીધું હતું કે, ચૂંટણીમાં પરાજય છતાં ઈરાન સામેના તેમના વલણમાં કોઈ ફેરફાર નહીં આવે. તેઓ ઈરાનને પરમાણુ હથિયારોથી સજ્જ થવા દેશે નહીં. તેમણે ઈરાન સામે વધુ આક્રમક વલણ અપનાવવાના સંકેત આપ્યા છે. બીજીબાજુ ઈરાને પણ અમેરિકા સામે નમવાનો ઈનકાર કરી દીધો છે અને તેણે હોર્મુઝની ખાડી પરથી નાકાબંધી હટાવી શાંતિ વાટાઘાટો ફરી શરૂ કરવા માટે સાત શરતો મૂકી છે. આ પરિસ્થિતિઓને જોતાં અમેરિકામાં ટ્રમ્પ અને ઈઝરાયેલમાં નેતન્યાહુના ‘પરાજય’ પછી પશ્ચિમ એશિયામાં યુદ્ધ બંધ થશે તેવી રોકાણકારોની આશા ઠગારી નિવડી શકે છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત સૈન્ય ઘર્ષણ વધવાની આશંકાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તિવ્ર ઊછાળો આવી શકે છે. ભૂ-રાજકીય અને એનર્જી વિશ્લેષક કંપની રૈપિડન એનર્જી ગ્રૂપના સીઈઓ બોબ મૈકનૈલીએ જણાવ્યું કે, અમેરિકા આગામી દિવસોમાં ઈરાન વિરુદ્ધ ફરીથી સૈન્ય કાર્યવાહી કરી શકે છે. તેમણે બંને દેશો વચ્ચે ફરીથી સૈન્ય સંઘર્ષ શરૂ થવાની આશંકા 80 ટકા હોવાનું જણાવ્યું હતું. મૈકનૈલીનું માનવું છે કે પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધની સ્થિતિમાં બ્રેન્ટ ક્રૂડ અને વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર જઈ શકે છે. હાલ બ્રેન્ટ ક્રૂડ અંદાજે 98.320 ડોલર અને WTI ક્રૂડ 90.340 ડોલર પ્રતિ બેરલના સ્તરે છે.
મિડટર્મ ચૂંટણી પહેલાં ક્રૂડના ભાવ 110 ડોલરથી ઉપર હતા
અમેરિકાની મિડટર્મ ચૂંટણી પૂરી થયા પછી પ્રમુખ ટ્રમ્પ પાસે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી ફરી શરૂ કરવાની સંભાવના વધી શકે છે. અગાઉ મિડટર્મ ચૂંટણી પહેલા પણ ઈરાન સાથે તણાવ અને અમેરિકન સૈન્ય કાર્યવાહીની આશંકાના કારણે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 110 ડોલરથી ઉપર જતા રહ્યા હતા. ટ્રમ્પે ચૂંટણી પહેલાં ઈરાન પર નવા હુમલા નહીં કરવાની વાત કરતા ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલરથી નીચે ઉતર્યા હતા. મૈકનૈલી મુજબ ટ્રમ્પ તેમના વારસા તરીકે ઈરાનને પરમાણુ હથિયાર હાંસલ કરતા રોકવા માગે છે અને ઈચ્છે છે કે તહેરાન પોતાની પરમાણુ ક્ષમતાઓ છોડી દે. બીજીબાજુ ઈરાનનું શાસન તેના માટે તૈયાર નથી. બંને દેશો વચ્ચે આ મૂળભૂત મતભેદો જળવાઈ રહેતા તણાવ વધવાની આશંકા વધી છે.
લોમ્બાર્ડ ઓડિયરના મુખ્ય અર્થશાસ્ત્રી સૈમી ચાર અને હેડ ઓફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી લુકા બિંદેલીએ પણ અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધના સંકેત આપ્યા છે. તેમણે 4 નવેમ્બરે તેમની નોંધમાં કહ્યું કે, નવી અમેરિકન કોંગ્રેસ કાર્યભાર સંભાળે તે પહેલાના સમયમાં ટ્રમ્પને ઈરાન પર ફરીથી હુમલો કરવાની તક છે. જોકે, અમેરિકાના હથિયારો અને દારૂગોળાના મર્યાદિત ભંડારના કારણે આવી સૈન્ય કાર્યવાહીનો સમય અને પ્રભાવ પર દબાણ રહી શકે છે.

કુટનીતિક સમાધાનની પણ આશા
જોકે, બધા વિશ્લેષકો સૈન્ય તણાવ વધવાની આશંકાથી સહમત નથી. જુલિયસ બેરના હેડ ઓફ ઈકોનોમિક્સ એન્ડ નેક્સ્ટ જનરેશન રિસર્ચ નોર્બર્ટ રૂકર મુજબ બજારમાં હવે વિશ્વાસ વધી રહ્યો છે કે મિડટર્મ ચૂંટણી ખતમ થયા બાદ બંને દેશો વચ્ચે કૂટનીતિક સમાધાનનો માર્ગ ખુલી શકે છે. ઈરાને કતરના માધ્યમથી અમેરિકાને પરમાણુ સમજૂતી સંબંધે એક પ્રસ્તાવ મોકલ્યો છે. જોકે, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેની સાત માગણી પૂરી કરવામાં આવશે પછી જ આ પ્રસ્તાવ પર વાતચીત થશે. આ શરતોમાં અમેરિકન આક્રમક કાર્યવાહી રોકવા, ઈરાનના બંદરોની અમેરિકાની નાકાબંધી ખતમ કરવા, આર્થિક પ્રતિબંધો અને દબાણ સમાપ્ત કરવા તથા ઈરાનની જપ્ત સંપત્તિઓને જાહેર કરવાની બાબતોનો સમાવેશ થાય છે.
ઈરાનના અધિકારીઓ મુજબ આ શરતો માનવામાં આવે તો ઈરાન હોર્મુઝની ખાડીમાંથી જહાજોના નિર્વિરોધ પરિવહનને મંજૂરી આપવા તૈયાર છે. અમેરિકા આ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યું છે. જોકે, આ સંબંધમાં વધુ માહિતી નથી અપાઈ.
ઈરાન યુદ્ધ અંગે અમેરિકામાં વધ્યો રાજકીય વિવાદ
ઈરાન યુદ્ધ અંગે અમેરિકામાં રાજકીય વિવાદ પણ વધી રહ્યો છે. ઈરાનની સંસદના સ્વીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ પર નિશાન સાધ્યું છે. વાન્સે મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ખરાબ દેખાવ માટે ઈરાન યુદ્ધને જવાબદાર ગણાવ્યું હતું. વાન્સે 4 નવેમ્બરે કહ્યું હતું કે, ચૂંટણીમાં પરાજયનું કારણ યુદ્ધ હતું. ટ્રમ્પના પૂર્વ સમર્થકોના ડેમોક્રેટિક પાર્ટી તરફ જવા પાછળ યુદ્ધ ખતમ કરવાની માગ સૌથી મોટો મુદ્દો રહી. આ સિવાય મોંઘવારી અને કોસ્ટ ઓફ લિવિંગનો વધતો ખર્ચ પણ મતદારો માટે ચિંતાનો મોટો વિષય રહ્યા.
વાન્સ ઈરાન સાથે કૂટનીતિક વાતચીતની તરફેણમાં
ગાલિબાફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાન્સની ટીપ્પણી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ટ્રમ્પ સરકાર યુદ્ધને આગામી તબક્કા સુધી લઈ જવાની તૈયારી કરી રહી છે. જોકે, વાન્સ પહેલા પણ ઈરાન સાથે કૂટનીતિક વાતચીતની તરફેણ કરી ચૂક્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ તેમણે શાંતિ વાટાઘાટો ફરીથી શરૂ કરવા માટે ઈરાનના એક કટ્ટરપંથી નેતાનો સંપર્ક પણ કર્યો હતો. ઈરાન યુદ્ધની અસર પહેલાથી જ વૈશ્વિક ઊર્જા કિંમતો પર પડી છે. મોંઘા ક્રૂડ ઓઈલના પગલે દુનિયાભરમાં મોંઘવારી વધી ગઈ છે. એવામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી યુદ્ધ વકરવાની સંભાવનાથી ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ઊછાળો આવી શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ચોખાના વધતા ભાવને કાબૂમાં લેવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : દેશભરના વેપારીઓએ સ્ટોકની વિગતો જાહેર કરવી પડશે

ખાંડના ભાવમાં મોટા વધારાની માંગ! AISTAએ ₹4,200નો ભાવ નક્કી કરવા કરી રજૂઆત

નર્ક ચતુર્દશીએ સોનું-ચાંદી સસ્તા થયા! જાણો અમદાવાદ-દિલ્હી સહિત તમારા શહેરના નવા ભાવ

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો




